સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં કોર્ટે ૫૮ વર્ષીય આરોપીના જામીન મંજુર કર્યા

સગીર વયની યુવતીને મહિલા આરોપીએ સેક્સ રેકેટમાં સંડોવ્યા બાદ દુષ્કર્મના આક્ષેપ પર દાખલ કરાયેલી ફરિયાદ કેસમાં અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે ૫૮ વર્ષીય આરોપીના જામીન મંજુર કર્યા છે. અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી કમલેશ શાહના જામીન મંજુર કરતા નોંધ્યું હતું કે આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવાથી પુરાવવા સાથે ચેડાં થવાની શકયતા નથી અને કોરોના મહામારી ચાલી રહી હોવાથી કેસની ટ્રાયલ પણ વહેલી શરૂ થઈ શકે તેમ નથી. જેથી આરોપીને ૧૫ હજારના પર્સનલ બોન્ડ પર જામીન મુક્ત કરવામાં આવે છે.

અરજદાર-આરોપી વતી એડવોકેટ ઉત્કર્ષ દવે રજુઆત કરી હતી કે આરોપી સામેના તમામ આક્ષેપ બોગસ અને પાયા વિહોણા છે. આરોપી બ્લડ પ્રેશર અને ડાયાબીટીસની બીમારીથી પીડિત છે. સગીર યુવતીનું અપહરણ કે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સબંધ (દુષ્કર્મ) કરવામાં આવ્યું નથી. ચાર્જશીટમાં પણ આરોપી સામે ગુનો સ્પષ્ટ થતો નથી. આરોપીને ખોટી રીતે આ કેસમાં સામેલ કરવામાં આવ્યો છે અને પરિવારમાં કમાનાર એક માત્ર વ્યક્તિ હોવાથી તેને જામીન પર મુકત કરવામાં આવે.

આ મુદ્દે સરકારી વકીલે દલીલ કરી હતી કે મહિલા આરોપી વર્ષાબેન નંદુબારે સગીરાના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી પર તેને સેક્સ રેકેટમાં ધકેલી હતી. મહિલા આરોપી પર આક્ષેપ છે કે તેણે ૧૭ વર્ષીય સગીરાને કહૃાું હતું કે તેની પાસે તેનો પૂરો બાયોડેટા છે અને જો આ કામ નહીં કરે તો તેના માતા-પિતાને મરાવી દેશે. આ પ્રકારના દબાણ ઉભું કર્યા બાદ મહિલા આરોપીએ સગીરાને આ કેસના અરજદાર/આરોપી સાથે રૂમમાં મોકલી હતી અને કથિત ગુનો બન્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપીને જામીન આપવામાં આવે તો સગીરાને નુકસાન પહોંચાડી શકે છે જેથી તેના જામીન ના-મંજૂર કરવા જોઈએ.