શેલા ઘુમા રોડ પર સોની વેપારીને માર મારી લૂંટ ચલાવાઇ

વેપારીએ બનાવના ૧૮ દિવસ બાદ ફરીયાદ કરી

કોરોનાકાળ બાદ રાજ્યમાં ચોર ટોળકીઓએ તો પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. દરેક શહેરમાં રોજે-રોજ ઘરફોડ ચોરી, રસ્તા પર જતા લોકોના હાથમાં લૂંટ, ઓનલાઈન છેતરપીંડી, ફ્રોડ આમ પૈસા કમાવવા અનેક પેતરાઓ તસ્કરો અજમાવી રહૃાા છે. ત્યારે શેલા ઘુમા રોડ પર સોની વેપારીને માર મારીને લૂંટ ચલાવવવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. અંધારાનો લાભ લઇ બે બાઈક પર આવેલા ત્રણ આરોપીએ પહેલા વેપારીના કોલરમાં દાંતી ભરાવી તેમને વાહન પરથી નીચે પડી દીધા અને બાદમાં બંને હાથ પર લાકડાના ફટકા મારીને ઇજા પહોંચાડીને લૂંટ ચલાવી છે.

ઘુમા ગામમાં રહેતા જયંતીભાઈ સોનીએ પોલીસ ફરિયાદ આપી છે કે, તેઓ સેલા ગામમાં જવેલર્સ ધરાવે છે. ૯ ઓક્ટોમ્બરના દિવસે નિત્યક્રમ મુજબ સાંજના સાડા સાતેક વાગે જવેલર્સ બંધ કરીને તેઓ શેલાથી ઘુમા તરફ જઈ રહૃાાં હતાં. આ દરમિયાન ઝવેરી ફાર્મની બાજુમાં આવેલ ગ્રીન સિટીના ગેટ પાસે પહોંચતા જ બે બાઈક પર આવેલા ત્રણ લૂંટારુએ તેમના કોલરમાં દાંતી ભરાવી ખેંચીને તેમને સ્કુટર પરથી નીચે પડી દીધા હતા. દાંતીના લાકડાથી તેમને બંને હાથે ફટકા મારીને ઇજા પહોંચાડી હતી, અને તેમના સ્કુટરના હુંક મા ભરવેલ સોના ચાંદીના દાગીના ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા. જે બેગમા આશરે રૂપિયા ૩ લાખની કીમતના દાગીના હતા.

જોકે ફરિયાદીએ લુંટારૂઓનો પ્રતિકાર કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ બંને હાથ પર ઇજા હોવાથી તેઓ પ્રતિકાર કરી શક્યા ન હતાં. અને લૂંટારુઓ સોનાના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થયા હતા. જ્યારે બીજી તરફ અંધારું હોવાથી લુંટારૂ ઓના બાઇકનો રજીસ્ટ્રેશન નંબર પણ તેઓ જોઈ શક્યા ન હતાં. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે બનાવના ૧૮ દિવસ બાદ ફરિયાદ દાખલ થતાં અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે.