વડોદરાના ભાયલી ગામે એનસીબીના દરોડાં, દૃારૂ સાથે આરોપીની ધરપકડ

શહેરના ભાયલી ગામે એનસીબીએ દરોડાં પાડ્યાં છે. જેમાં એનસીબીએ દારૂ સાથે આરોપી સંદિપ પરમારની ધરપકડ કરી છે. જેમાં ભાજપના સભ્યએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનો ખુલાસો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ થોડાં દિવસો પહેલાં જ અમદાવાદના નવા વાડજ વોર્ડના આઈટી સેલના કન્વીનર હરેશ ગીધ્વાણીના ભાઈ ગોપાલ ઉર્ફે ગોપ હરદાસ ગીધ્વાણી અને તેના સાથીદાર કનુ દેવુમલ લોહાણી સોરાબજી કમ્પાઉન્ડ ઉદ્ધવનગર ખાતેના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ની બોટલો સાથે રંગે હાથ ઝડપાયા હતાં.

પોલીસે ઈંગ્લીશ દારૂ સહિત કુલ ૨૧,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓએ ઘરમાં વોશિંગ મશીન અને કબાટમાં દારૂ છુપાવી રાખ્યો હતો. મહત્વનું છે કે, વાડજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વહેલી પરોઢે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એવી બાતમી મળી હતી કે, જૂના વાડજના સોરાબજી કમ્પાઉન્ડમાં ઉદ્ધવનગર ખાતે રહેતા કેટલાંક આરોપીઓએ વિદેશી દારૂનો જથ્થો પોતાના ઘેર ઉતાર્યો છે. ત્યારે આ બાતમી મુજબ પોલીસે ઉદ્ધવનગર ખાતે આવેલા બાતમી મુજબના મકાનમાં રેડ કરી હતી. જેમાં પોલીસને સ્થળ પરથી આરોપી કનુ દેવુમલ લોહાણી અને ગોપાલ હરદાસ ગીધ્વાણી મળી આવ્યાં હતાં.