લોકોએ ચપ્પલ મારીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની તસવીરને કાળી કરી

પયગંબરના કાર્ટૂનનો વિવાદ: વડોદરામાં બોયકોટ ફ્રાન્સના પોસ્ટર લાગ્યા

ફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરના કાર્ટૂનને લઈને મુસ્લિમ બહુમતી ધરાવતા ૧૦થી વધુ દેશમાં ગુસ્સો વધી રહૃાો છે, ત્યારે ફ્રાન્સની હિંસાના પડઘા હવે વડોદરા શહેરમાં પણ પડ્યા છે. વડોદરાના રાવપુરા અને મચ્છીપીઠના નવાબવાડા વિસ્તારમાં ફ્રાન્સ વિરોધી પોસ્ટર લાગ્યા છે. જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો બોયકોટ કરવામાં આવ્યો છે. જેમાં રસ્તા પર પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિના તસવીર સાથે બોયકોટ ફ્રાન્સનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. તેના પરથી લોકો અને વાહનો પસાર થઇ રહૃાા છે. આમ વડોદરા શહેરમાં લધુમતિ કોમમાં ફ્રાન્સ સામે આક્રોશ જોવા મળી રહૃાો છે.

લઘુમતી કોમની ધાર્મિક લાગણી દુભાઇ હોવાના કારણે વડોદરા શહેરમાં ફ્રાન્સ વિરોધી બેનર્સ લાગ્યા છે. જેમાં કોમ અપને નબી કી શાન મે ગુસ્તકી કરને વાલે કે ખિલાફ ના બોલે ઉસ કોમ કો દુનિયા મેં જીને કા હક નહીં તેવા લખાણ સાથેના બેનર્સ લગાવવામાં આવ્યા છે અને ફ્રાન્સની કોઇપણ વસ્તુ વેચવા કે, ખરીદવાની નહીં તેવી અપીલ કરવામાં આવી છે અને લોકોએ ચપ્પલ મારીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની તસવીરને કાળી કરી હતી.

પયગંબર મોહમ્મદના કાર્ટૂનને લઈને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં ગુસ્સો વધી રહૃાો છે. સૌથી પહેલાં તૂર્કીએ આ મામલામાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના નિવેદનની ટીકા કરી હતી. ત્યાર પછી સાઉદી અરબ, કતાર, જોર્ડન, લિબિયા, સીરિયા, કુવૈત અને પેલેસ્ટાઈને ફ્રાન્સની ચીજવસ્તુઓનો બહિષ્કાર શરૂ કર્યો હતો. હવે પાકિસ્તાન અને ઈરાનની સંસદે ફ્રાન્સ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ત્યારે હવે ભારતમાં પણ તેનો વિરોધ શરૂ થયો છે. આજે વડોદરા શહેરના રાવપુરા અને મચ્છીપીઠના નવાબવાડા વિસ્તારમાં ફ્રાન્સ વિરોધી પોસ્ટર લાગ્યા છે.