મહિસાગર નદીમાંથી મળેલી અજાણી મહિલાની લાશનો કોયડો ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો

વડોદરા નજીક ફાજલપુર પાસેથી પસાર થતી મહિસાગર નદીમાંથી મળેલી એક અજાણી મહિલાની હાથ અને પગ બાંધેલી હાલતમાં મળી આવેલી લાશનો કોયડો ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાંખ્યો છે. એક ફૂલ દો માલી જેવી લવ સ્ટોરીમાં સર્જાયેલા હત્યાકાંડના સીલસીલામાં યુ.પી.ના એક પ્રેમી સહીત બે આરોપીઓની ધરપકડ કરીને તલસ્પર્શી પૂછપરછ શરૂ કરી છે. ઉત્તર પ્રદેશમાં રહેતાં બે સગા ભાઈઓને વતનની જ મુસ્કાન ઉર્ફે ગુડ્ડી સાથે પ્રેમ સબંધ હતો. લઘુબંધુ આ યુવતી સાથે નિકાહ કરવાનો હોવાથી મોટા ભાઈએ ગુડ્ડીની હત્યાનો પ્લાન ઘડયો હતો અને ગુડ્ડીને ગુજરાતમાં ફરવાના બહાને ટ્રકમાં સાથે લઈ આવીને સાગરીત ક્લીનરની મદદથી ગળુ દબાવીને હત્યા કરી હતી પુરાવાનો નાશ કરવા માટે લાશના હાથ પગ બાંધીને વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ફાજલપુર બ્રીજ ઉપરથી મહિસાગર નદીમાં ફેંકી હતી. ડી.સી.પી. ક્રાઈમ જયદિપિંસહ જાડેજાએ જણાવ્યુ છે કે,

મર્ડર મિસ્ટ્રી ઉકેલવામાં મહિલાની ડેડબોડી પાસેથી મળી આવેલો મોબાઈલ ફોન ઉપયોગી નીવડયો છે. ઈ.એમ.ઈ.આઈ. નંબર ઉપરથી મૃતકની ઓળખ થઈ હતી. મૃતક મુસ્કાન ઉર્ફે ગુડીયા મૂળ ઉત્તર પ્રદેશની વતની છે. તેના ગામમાં રહેતાં બે સગા ભાઈ મુજસ્સમ ઉર્ફે શીબુ અનવર ઉલહસન ખાન અને તેના લઘુબંધુ સોહેબ સાથે પ્રેમ સબંધ હતો. સોહેબ ગુડ્ડીના પ્રેમમાં પાગલ હતો અને તે નિકાહ કરવાનો હતો. જે મુજસ્સમને હરગીઝ મંજુર નહતુ. મુજસ્સમ પોતે ટ્રક ડ્રાઈવર છે અને લોંગરુટ ઉપર ટ્રક ચલાવે છે. તેણે ગુડ્ડીની હત્યાનો પ્લાન ઘડયો હતો ગુડ્ડી મૂળ યુ.પી.ની વતની છે પરંતુ હાલમાં મહારાષ્ટ્રમાં રહે છે.

ગુડ્ડીને ગુજરાત ફરવાના બહાને ચાંગોદરમાં ગુડઝની ડિલીવરી આપવા આવતી વખતે સાથે લાવ્યો હતો. ક્લીનર તરીકે સંદિપ શ્રીવાસ્તવ (રહે.યુ.પી.) પણ સાથે આવ્યો હતો. તા.૨જી ઓકટોબરે મધરાતની વાત છે. મુજસ્સમ ઉર્ફે શીબુએ ટ્રકમાં જ ગુડ્ડીનું ગળુ દબાવ્યુ હતુ જયારે સંદિપે તેણીના પગ પકડી રાખ્યા હતા. શ્ર્વાસનાડી તુટવાના કારણે ગુડ્ડીનું મૃત્યુ થયુ હતુ. બંન્ને આરોપીઓએ લાશના હાથ અને પગ બાંધ્યા હતા અને ધાબળામાં લાશ લપેટીને વડોદરા અમદાવાદ એકસપ્રેસ વે પર ફાજલપુર બ્રીજ ઉપરથી લાશને પાણીમાં ફેંકી દીધી હતી. હત્યાના સીલસીલામાં બંન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ શરુ કરવામાં આવી છે.