પૂર્વ પત્ની પર એસિડ એટેક કરનાર શખ્સને કોર્ટે ફટકારી આજીવન કેદ અને ૭.૫ લાખનો દંડ

મોરબીમાં ફેબ્રુઆરી ૨૦૧૮માં વાઘપરા વિસ્તારમાં એક મહિલાના ચહેરા પર બાઈકમાં આવેલ શખ્સે એસિડ ફેંકી ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં પોલીસે આરોપી અને મહિલાના પૂર્વ પતિ કલ્પેશ મનસુખ ગઢીયાને ગણતરીના કલાકમાં ઝડપી જેલ હવાલે કર્યો હતો. આજે મોરબી સેસન્સ કોર્ટે આરોપી કલ્પેશ ગઢીયાને આજીવન કેદની સજા અને ૭.૫૦ લાખનો દંડ ફટકાર્યો છે.

બનાવમાં ભોગ બનનાર મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી સાથે અગાઉ રાજકોટ ખાતે પ્રેમ લગ્ન થયા હતા. બાદનાં પતિ-પત્ની વચ્ચે મનદુ:ખ થતા છૂટાછેડા થઇ ગયા હતા. બાદ મહિલાને અન્ય યુવક સાથે આંખ મળી જતા મોરબી રહેવા આવી ગયા હતા અને તેની લગ્ન કરવાના હતા જે બાબતનું મનદુ:ખ રાખી આરોપીએ તેના પર એસિડ એટેક કર્યો હતો. આ બનાવમાં પોલીસના તત્કાલિન આર.જે. ચૌધરીએ તપાસ હાથ ધરી હતી અને ૧૫ મેં ૨૦૧૮ના રોજ ચાર્જસીટ દાખલ કરી હતી.

બાદમાં સમગ્ર કેસ સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વી.સી.જાનીએ ફરિયાદી તરફથી કેસ લડ્યો હતો અને કોર્ટ કાર્યવાહી દરમિયાન ૨૭ સાક્ષીઓના નિવેદન તેમજ ૩૧ દસ્તાવેજી પુરાવા તપાસના આધારે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ એ.ડી.ઓઝાએ આજે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો અને આરોપી કલ્પેશ મનસુખ ગઢીયાને આજીવન કેદ અને ૭.૫ લાખનો દંડ ફટકાર્યો હતો.જો આરોપી ૩૦ દિવસમાં દંડની રકમ નહીં ભરે તો વધુ ૨ વર્ષની કેદ ફટકારવા હુકમ કર્યો હતો.