પર્યાવરણને ધ્યાને લઇ જાનનગરમાં શરૂ કરાઈ સીએનજી બસ

ગુજરાતને ગ્રીન એનર્જીના વપરાશમાં અગ્રેસર કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સીએનજી બસોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે આજરોજ જામનગર મહાનગરપાલિકાના આંગણે મહાનુભાવોના હસ્તે શહેરમાં ૩ સી.એન.જી બસોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા સીએમ અર્બન બસ પ્રોગ્રામ હેઠળ જામનગર શહેર વિસ્તારમાં ૩૦ લોકોની ક્ષમતા સાથેની દસ મિની સીએનજી બસ પીપીપીના ધોરણે ચલાવવામાં આવશે. જામનગર ખાતે હાલ ૩ બસો કાર્યરત કરવામાં આવી છે.

જેમાં બીજા તબક્કામાં અન્ય બસોને જરૂરિયાત મુજબના રૂટ પર ચલાવવામાં આવશે. જામનગર શહેરના વિસ્તારને ધ્યાને લેતા અંદાજે ૪૦ જેટલી બસોની જરૂરિયાત રહેવા પામે છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં ૧૦ ડીઝલ ઓપરેટેડ બસો ખરીદવામાં આવેલ હતી, પરંતુ પર્યાવરણને વધુ સ્વચ્છ અને પ્રદુષણમુક્ત કરવા માટે મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં સીએનજીનો વ્યાપ વધારવામાં આવ્યો છે ત્યારે જામનગર ખાતે હવે સીએનજી બસો ચલાવવામાં આવશે. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના રાજકીય મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહૃાા હતા.