અમદાવાદમાં ફટાકડા ફોડવાના મુદ્દે ઇન્ચાર્જ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

રાજ્યમાં ફટાકડા ફોડવાને લઈ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી સુપ્રિમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યા હતા. અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા ફટાકડા ફોડવાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અમદાવાદીઓ રાતે ૮થી ૧૦ વાગ્યા સુધી એમ બે કલાક જ ફટાકડા ફોડી શકશે. અમદાવાદ શહેરના બજારો, જાહેર રસ્તાઓ, ગલીઓ, એલપીજી ગેસ પ્લાન્ટ કે પેટ્રોલપંપ આસપાસ પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે, દિવાળીના તહેવાર દરમ્યાન આગ અકસ્માતના બનાવ બને છે. અમદાવાદ શહેરમાં રાતે ૮થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લુમ ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા માન્ય ૧૨૫ ડેસીબલ યુનિટ અથવા ૧૪૫ ડેસીબલ (સી)થી ઓછો અવાજ ધરાવતા ફટાકડા વેચી કે વાપરી શકાશે. હોસ્પિટલ, ન્યાયાલયો, શૈક્ષણિક સંસ્થાઓ, નર્સિંગ હોમ તેમજ ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટર વિસ્તાર સાયલન્ટ ઝોન હોવાથી ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં.

ફલિપકાર્ટ, એમેઝોન સહિત ઓનલાઇન કોમર્શિયલ વેબસાઈટ પરથી ફટાકડાના વેચાણ કે ખરીદ કરી શકાશે નહિ. કોઈપણ પ્રકારના તુકકલ કે ચાઈનીઝ તુકકલ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામાનો અમલ આજે ૯ નવેમ્બરથી ૧૯ નવેમ્બર સુધી એમ ૧૦ દિવસ સુધી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ૧૮૮ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.