સ્થાનિકોએ ચક્કાજામ કરી પોલીસનો ઘેરાવ કર્યો, મહારાજને ફટકાર્યા

ઝઘડિયા પાસે હીટ એન્ડ રન કેસમાં ડમ્પરે ૩ મહિલાઓને કચડી નાખતા મોત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ગામ પાસે આજે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઝઘડિયાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ પૂરપાટ ઝડપે જઇ રહેલા ડમ્પરે ૩ મહિલાઓને કચડી નાખી હતી. જેમાં ત્રણેય મહિલાઓના મોત નીપજ્યા છે. જ્યારે એક પુરૂષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ઝઘડિયા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. જોકે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પોલીસનો ઘેરાવ કર્યો હતો અને રોડ પર ચક્કાજામ કર્યો હતો અને ગ્રામજનોએ તાત્કાલિક સ્પીડ બ્રેકર્સ મૂકવાની માંગ કરી હતી. ડમ્પર ચાલક મહિલાઓને કચડીને ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

ઝઘડિયાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતો ખખડધડ રોડ જીવલેણ બન્યો છે. ઉચેડીયા ગામની બોરોસીલ કંપનીમાં ફરજ પર જતી અને શાકભાજી વેચવા જઇ રહેલી મહિલાઓ ગુમાનદેવ મંદિર પાસે વાહનની રાહ જોઇ ઉભી હતી. આ સમયે એક ડમ્પર ચાલકે ૩ મહિલાઓ અને એક પુરૂષને અડફેટે લીધા હતા. જે પૈકી ૨ મહિલાના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે એક પુરૂષની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. જેને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જતા રોડ પર વાહનોની લાઇનો લાગી ગઇ હતી. ગ્રામજનોના સ્ટેચ્યૂ ઓફ યુનિટી રોડ પર ચક્કાજામના પગલે ટ્રાફિક જીઆઈડીસી તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પણ સ્થાનિકોના રોષનો ભોગ બનવુ પડ્યું હતું.

લોકોએ પોલીસનો ઘેરાવ કરીને તાત્કાલિક સ્પીડ બ્રેકર્સ મૂકવાની માંગ કરી હતી. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમે સ્પીડ બ્રેકર મૂકવા માટે અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં સ્પીડ બ્રેકર મૂકાયુ નથી. જેને કારણે આજે ૩ મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પહેલા પણ બસની અડફેટે એક છોકરીનું મોત થયું હતું. ૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં એકતા દિવસની ઉજવણી થવાની છે. ઝઘડિયા પોલીસ પણ બંદોબસ્તમાં કેવડિયામાં છે, ત્યારે ચક્કાજામને પગલે વાહન ચાલકો અટવાઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW