સૈનિક સ્કૂલ બાલાછડીના ૧૨ વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડમીના મેરિટ લિસ્ટમાં સમાવેશ

જામનગર ખાતે આવેલી સૈનિક સ્કૂલ બાલાછડીના ૧૨ વિદ્યાર્થીઓનો પૂણેના ખડકવસ્લામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના અંતિમ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે. ત્યારે બાલાછડી સૈનિક સ્કૂલની પ્રતિષ્ઠામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કેડેટ આદિત્ય કુમાર રવિ, કેડેટ આકાશ રંજન, કેડેટ સુધાંશુ કુમાર, કેડેટ અમન કુમાર, કેડેટ શુભમ મયંકિંસહ, કેડેટ વિશાલ પરમાર, કેડેટ દેવ સિંઘાનિયા, કેડેટ નિશાંત કુમાર, કેડેટ આદિત્ય કુમાર, કેડેટ ગોપાલ ભોર્ખાતરિયા, કેડેટ શુભમ કુમાર અને કેડેટ રાજીવ રંજન સ્કૂલના વિદ્યાર્થીઓ છે,

જેઓએ યુપીએસસી એનડીએ લેખિત પરીક્ષા અને એસએસબી સફળતાપૂર્વક પસાર કરી છે અને એનડીએના પરિણામોના મેરિટમાં તેમનું નામ જોવા મળ્યું છે. સૈનિક સ્કૂલ બાલાછડી એનડીએમાં પ્રવેશ માટે કેડેટ્સને તૈયાર કરવાની કામગીરી સાથે સંકળાયેલી છે અને પોતાના પ્રારંભથી અત્યાર સુધી તે સફળતાપૂર્વક સંરક્ષણ સેવાઓમાં ૪૦૦થી વધારે કેડેટ્સને મોકલી ચૂકી છે. સૈનિક સ્કૂલ બાલાછડીના પ્રિન્સિપાલ ગ્રૂપ કેપ્ટન રવિન્દૃર સિંહે આ કેડેટ્સ અને તેમના પરિવારજનોને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યાં હતાં.

તેમણે કેડેટ્સને સફળતાની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કેડેટ્સ ચોક્કસપણે સૈનિક સ્કૂલ બાલાછડીના વિદ્યાર્થીઓની સાથે સાથે ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને રાષ્ટ્રની સેવા માટે સંરક્ષણ સેવાઓમાં જોડાવવા સખત મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડશે. આ પ્રસંગે વાઇસ પ્રિન્સિપાલ લેટનન્ટ કમાન્ડર મનુ અરોરા, વહીવટી અધિકારી સ્ક્વૉડ્રન લીડર મહેશ કુમાર અને સ્કૂલના કર્મચારીઓએ સૈનિક સ્કૂલ બાલાછડીના આ ગૌરવશાળી વિદ્યાર્થીઓને તેમની દયાપૂર્ણ શુભકામનાઓ પાઠવી હતી.