સુરતમાં સિલાઈના કારખાનામાં આગ, જાનહાનિ ટળી

લિંબાયત મમતા સિનેમા નજીક એક સિલાઈના કારખાનામાં આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. મધરાત્રે લાગેલી આગ બાદ ત્રણ ફાયર સ્ટેશનની ૬ ગાડીઓ ઘટના સ્થળે દોડી જઇ એક કલાકમાં આગને કાબૂમાં લઈ લેતા આજુબાજુના લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. કારખાનું બંધ થયા બાદ શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. જોકે, આ આગમાં લાખોનો સામાન બળી ને ખાખ થઈ ગયો હતો.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ લગભગ રાત્રીના સવા વાગ્યાનો હતો. ઘટનાની જાણ થતાં જ ડુભાલ, માન દરવાજા અને ડીંડોલી ફાયર સ્ટેશનની ૬ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ કાબૂમાં લઈ લેવાઈ હતી. જોકે, આ ઘટનામાં સિલાઈ મશીનથી લઈ સાડીનો જથ્થો, વાયરીંગ સહિત અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટના સ્થળેથી એક કારીગરે જણાવ્યું હતું કે,

અચાનક કારખાનમાંથી ધુમાડો નીકળતા જોઈ આશ્ર્ચર્ય ઉભો થયો હતો. જેને લઈ ફાયરને જાણ કરી દીધી હતી. ફાયર વિભાગની ૬ ગાડીએ આગ કાબૂમાં આવ્યા બાદ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું. કારખાનામાં ૭ જેટલા કારીગરો કામ કરતા હોવાનું અને કારખાનું બંધ થયા બાદ આગ લાગી હોવાનું કારીગરોએ જણાવ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું.