રાજકોટમાં આઈપીએલ મેચનો સટ્ટો રમાડતા સ્કૂલના આચાર્ય સહિત બે શખ્સની ધરપકડ

હાલ આઈપીએલ ટૂર્નામેન્ટ શરૂ હોય રાજકોટમાં ખૂણે ખાચરે ક્રિકેટ પર સટ્ટા રમાડતા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના જામનગર રોડ પર ક્રિસ્ટલ સ્કૂલ સામે ગોકુલ બંગ્લોઝમાં હિતેષ દલપતભાઈ ઠાકરના ઘરે ગઈકાલે આઈપીએલની મુંબઈ ઈન્ડિયન અને સનરાઈઝ હૈદરાબાદ મેચ પર લાઈવ પ્રસારણ જોઈ મોબાઈલ ફોન પર વાત કરી ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યારે એક શખ્સ નાસી ગયો હતો. ઝડપાયેલા બે આરોપીઓમાં એક આરોપી તો સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા બે શખ્સોમાં હિતેષ દલપતભાઈ ઠાકર અને વિરેન્દ્રસિંહ નાનભા જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે જયદીપસિંહ અશોકસિંહ જાડેજા નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે આ શખ્સો પાસેથી ૩ મોબાઈલ, એક ટીવી, સાંકેતિક ભાષામાં સોદા લખેલી ડાયરી, બોલપેન અને રોકડ રકમ સહિત ૨૮૯૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી વિરેન્દ્રસિંહ તો પુનિતનગર મેઈન રોડ પર આવેલી સહજાનંદ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.

બે દિવસ પહેલા જસદણના ચીતલીયા રોડ પર પાનની દુકાનની બહાર આઈપીએલ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સોને રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધા હતા. પૂછપરછમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ શરૂ કરી હતી. રાજકોટ રેન્જની ટીમના પીઆઈ આર.એ.ડોડીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે જસદણના ચીતલીયા રોડ પર આવેલી સોમનાથ પાનની બહાર આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા સુધીર બેચરભાઇ લાગેલા અને હાર્દિૃક હસમુખભાઇ વાડોદરીયાને ઝડપી લીધા હતાં. પોલીસે તેની પાસેથી બે મોબાઇલ સહિત કુલ ૧૩,૬૪૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW