ભરૂચના ગોલ્ડન બ્રિજ પર પુન: એકવાર પિક અવર્સમાં ટ્રાફિક જામ થતા વાહનચાલકો અટવાયા

ટ્રાફિક જામ માટે પ્રખ્યાત ભરૂચના ગોલ્ડન બ્રિજમાં આજે ફરી એકવાર સવારના સમયે ફરી ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સવારના સમયે બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતાર લાગતા વાહનચાલકો અટવાયા હતા. ગોલ્ડન બ્રિજમાં સવાર અને સાંજના સમયે પિક અવર્સમાં ટ્રાફિકજામની સમસ્યા જાણે રોજીંદી બની ગઈ છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોનો કિંમતી સમય બગડે છે અને ઇંધણનો પણ વેડફાટ થાય છે

ત્યારે ગોલ્ડનબ્રિજના સમાંતર બની રહેલ નવા બ્રિજની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોલ્ડન બ્રિજ ઉપર માત્ર ફોર વ્હીલર, ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોને પસાર થવા માટેની મંજૂરી આપવામાં આવેલી છે. જોકે માલવાહક વાહનો પણ ગોલ્ડન બ્રિજ પરથી પસાર થતાં હોવાથી ટ્રાફિકજામની સમસ્યા ઉભી થાય છે અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે.