પાનોલી જીઆઈડીસીની સલ્ફર મિલમાં ગેસની અસરના પગલે એક કામદારનુ મોત

પાનોલી જી.આઈ.ડી.સી.ની એક કેમિકલ કંપનીમાં ચેમ્બરની સાફ સફાઈ કરતાં એક કામદારનુ ગેસની અસરના પગલે મોત થયું છે. ગેસની અસરના પગલે ગૂંગળામણ થતાં આ કામદારનુ મોત નીપજયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહૃાું છે.પ્રાપ્ત વિગતો અનુસાર પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલા સલ્ફર મિલ કંપનીમાં અંકલેશ્ર્વરના કાપોદ્રા ગામની મન મંદીર રેસિડેન્સીમાં રહેતા ૪૧ વર્ષીય રાકેશ ધર્મસિંહ સોલંકી ફરજ બજાવતા હતા.

તેઓ પોતાના નિયત સમયે કંપની પર ફરજ પર ગયા હતા અને કંપનીમાં રહેલા ગેસની ચેમ્બરની સાફ સફાઈનું કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન તેઓને ગૂંગળામણ થવા લાગી હતી અને ગેસની અસર વર્તાઇ હતી. ગૂંગળામણના કારણે તેઓનું મોત થયું છે. કંપની સત્તાધીશો દ્વારા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તબીબોએ ત્યાં તેઓને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ સંદર્ભે અંકલેશ્ર્વર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્ર્વર પાનોલીની અનેક કેમિકલ કંપનીમાં કર્મચારીઓની સુરક્ષાના નામે મીંડું જોવા મળી રહૃાું છે અને તેનો ભોગ કર્મચારીઓ બનતા રહે છે. સલામતીના સાધનો વગર જ કર્મચારીઓને કામે લગાવી દેવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપ કર્મચારીએ જીવ ગુમાવવો પડે છે. ત્યારે આવી કંપનીઓ પાસે સુરક્ષાના તમામ પગલાં ભરાવવામાં આવે તે ખૂબ જરૂરી છે.