દાણીલીમડાના ગોડાઉનમાં અધધ..૬,૦૦૦ બોટલ દારૂ ઝડપાયો

પીસીબીએ ૩૦.૬૦ લાખનો દારૂ સાથે ૩ શખ્સની ધરપકડ કરી

અમદાવાદ પોલીસની પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચએ દિવાળીના તહેવાર પહેલાં શહેરની હદમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પીસીબીને બાતમી મળી હતી કે શહેરની દાણીલીમડા વિસ્તારમાં એક ચોક્કસ જગ્યાએ લાખો રૂપિયાની કિંમતનો દારૂ સંતાડવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પીસીબીએ દરોડા પાડતા ૩૦.૬ લાખનો દારૂ મળી આવ્યો હતો.

આ દરોડામાં પોલીસ દારૂ રાખવાની જગ્યા જોઈ ચોંકી ગઈ હતી. કારણ કે શહેરની વચોવચ્ચ આવેલા એક ગોડાઉનમાં કોઈ માલસામાન રાખવામાં આવે તેમ દારૂ સંતાડવામાં આવ્યો હતો. દાણીલીમડામાં આવેલ અલ કુબા એસ્ટેટમાં કોઝી હોટલ પાછળ આવેલા ગોડાઉન એ-૧૧માંથી લાખો રૂપિયાનો દારુ ઝડપાયો હતો.

આ ઝડપાયેલા દારૂનો જથ્થો ખૂબ જંગી છે. પીસીબીએ ઝડપેલા જથ્થામાં જુદી જુદી બ્રાન્ડનો ૬૦૭૨ બોટલ એટલે કે ૫૦૬ પેટી દારૂ જેની કિંમત ૩૦,૬૦,૦૦૦ હજાર તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ ૩૧.૦૯ લાખની મતા સાથે ૩ આરોપીને ઝડપી પાડ્યા છે.

પીસીબીએ આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ૬૬ બી, ૬૫ એઇ, ૧૧૬ બી, ૯૮-૨, ૮૧ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ સાથે ઇસ્તીયાક જૈનુલઆબેદ્દીન, વિવેક સુરેશ કુમાર સંઘાણી, મુસ્તાક ગુલારસલુ શેખની ધરપડ કરી છે. જ્યારે આ કેસમાં ઇલિયાસ જૈનુલઆબેદ્દીન સૈયદને વોન્ટેડ જાહેર કર્યો છે.