ગિરનાર રોપ-વેના પ્રથમ ૧૦૦૦ લોકોને અપાઈ ગોલ્ડન ટિકિટ, નો-ટોબેકો ઝોન જાહેર

વડા પ્રધાન મોદી દ્વારા ગિરનાર રોપવેને પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું છે. અને પ્રથમ દિવસે રોપવેનો સફર કરનાર પ્રવાસીઓની મુસાફરીને યાદગાર બનાવવા માટે ઉષા બ્રેકો દ્વારા એક હજાર પ્રવાસીઓને ગોલ્ડન ટિકિટ આપવામાં આવશે. એશિયાનો સૌથી મોટો અને લાંબો ગિરનાર રોપવે આજથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દિવસે જ અત્યાર સુધી ૪૦૦થી વધુ પ્રવાસીઓએ વહેલી સવારથી જ લાઇન લગાવી હતી. ઉપરાંત રોપવેના સંચાલક ઉષા બ્રેકો દ્વારા એક હજાર પ્રવાસીઓ માટે ગોલ્ડન ટિકિટ આપવામાં આવી રહી છે. જેમાં લખ્યું છે કે ગિરનાર રોપવેના પ્રથમ ૧૦૦૦ પ્રવાસીમાં આપ સામેલ છો.

આ ટિકિટ તેમના માટે ઐતિહાસિક સાબિત થશે. આ સાથે ગિરનાર રોપવેના પટાંગણમાં તમે તમાકુ લઈ જઈ શકશો નહીં. કેમ કે, ગિરનાર રોપવે પટાંગણને નો ટોબેકો ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓને રોપવેના પટાંગણમાં તમાકુ બીડી-સિગારેટ જેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને આ નિયમ તોડવા પર પ્રવાસીઓ માટે રૂપિયા ૫૦૦નો દૃંડ રાખવામાં આવ્યો છે. આજે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલા તેના પ્રથમ દિવસે લોકોએ અદભુત સફર માણી અને આ ક્ષણોને યાદગાર કરી હતી.

ખાસ કરીને ૪૦૦ જેટલાં યાત્રિકોએ રોપવે દ્વારા અંબાજીના દર્શન કર્યા હતા, રોમાંચક અનુભવ કરી તમામ પ્રવાસીઓ ગદગદ થઈ ગયા હતા. ખાસ કરીને માત્ર સાત મિનિટમાં ભવનાથ તળેટીથી અંબાજી મંદિર પહોંચી શકે છે. તેથી વૃદ્ધોએ પણ રોપવેની સફર માણી ગદગદીત થઈ ગયા હતા. જૂનાગઢના મહિલા વૃદ્ધે ૨૫ વર્ષ બાદ અંબાજીના દર્શન કર્યા હતા અને ભાવવિભોર બન્યા હતા. ઉપરાંત ગોલ્ડન ટિકિટ મળતા બાળકો પણ ખુશખુશાલ થયા હતા અને તેના રોમાંચિત કરી દેનારા સફરને યાદગાર ગણાવી હતી.