આર્મી જવાન અને તેની પત્નીનું વતન આવતા સમયે રાજસ્થાનમાં અકસ્માતમાં મોત

માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામનો આર્મી જવાન પત્ની અને પુત્ર સાથે વતન માંડવી આવી રહૃાો હતો. જો કે તેમની કારને ગુજરાજ ટ્રાવેલ્સની લકઝરી બસ સાથે અકસ્માત નડ્યો હતો. જેમાં આર્મી જવાન અને તેની પત્ની એમ બંનેનાના મોત થયા હતા. જો કે ચમત્કારિક રીતે ૫ વર્ષના બાળકનો બચાવ થયો હતો. દિવાળીના તહેવારોમાં જમ્મુથી વતન આવતી વેળા માંડવીના મોટા ભાડિયાનો આર્મી જવાન અને તેની પત્નીને અકસ્માત નડ્યો હતો.

રાજસ્થાનના નેશનલ હાઈવે ૫૨ હિસાર સાદુલપુર ટોલનાકાથી આગળ ગુજરાજ ટ્રાવેલ્સની લક્ઝરી બસ સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં વિરમભાઈ ગઢવી અને તેમના ધર્મપત્ની કમશ્રીબેન ગઢવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જમ્મુથી પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવા માટે આવતા હતા ત્યારે કરુણાંતિકા સર્જાઈ હતી અને આર્મી જવાનનું પત્ની સાથે માર્ગ દુર્ઘટનામાં મોત થયું હતું.

જેથી બંનેનું સ્થાનિક હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરીને બંનેના મૃતદેહોને વતન લાવવામાં આવી રહૃાા છે. સાંજે પત્ની સાથે આર્મી જવાનના સૈનિક સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વતન આવતી વેળા અકસ્માતમાં આર્મી જવાનનું પત્ની સાથે મોત થતાં ૫ વર્ષીય બાળક અનાથ થયો હતો. અકસ્માતમાં ચમત્કારિક રીતે તેનો બચાવ થયો હતો. સ્થાનિક પોલીસે કારમાં આર્મી જવાનનો મોબાઈલ ફોન મળતા તેમણે પરિવારજનોને અકસ્માતની જાણ કરી હતી.