અમદાવાદમાં ભારે બફારા બાદ ઠંડીનો ચમકારો, શહેરીજનોમાં રાહત

અમદાવાદમાં ભારે બફારા બાદ ઠંડીનો ચમકારાનો શહેરીજનોને અનુભવ થયો હતો. ઠંડી અનુભવાતાં જ અમદૃાવાદૃીઓમાં હાશકારો અનુભવાયો હતો. વર્તમાન સિઝનમાં પ્રથમવાર લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયું છે. અમદાવાદમાં ૧૯.૧ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ અમદાવાદમાં રાત્રિના સમયે ઠંડીના ચમકારાની શરૂઆત થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ર્ચિમથી ઉત્તર દિશાનો પવન છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે અને ઠંડીમાં આંશિક ચમકારો વધી શકે છે. તેવામાં શનિવારે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૬.૨ ડિગ્રી નોંધાયું હતું. આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ અને સરેરાશ મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ રહેશે. આમ અમદાવાદમાં દિવસે ગરમી-રાત્રે ઠંડીથી ડબલ સિઝન અનુભવાઇ શકે છે.

રાજ્યમાં ૧૮ ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ડીસામાં ૧૯.૪, કંડલામાં ૧૯.૯ સાથે ૨૦ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં ૨૨.૭, સુરતમાં ૨૬.૨, ગાંધીનગરમાં ૨૨, વડોદરામાં ૨૩.૨ ડિગ્રી લઘુતમ તાપમાન હતું. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહથી ઠંડી વધવા લાગશે.