દોહા એરપોર્ટ પર મહિલાઓને નિર્વસ્ત્ર કરી તપાસ કરાતા હોબાળો

કતારની રાજધાની દોહામાં એરપોર્ટ પર નવજાત બાળકનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા જતી કતાર એરવેઝની કયુંઆર૯૦૮ ફલાઇટને થોભાવી ઘણી મહિલાઓની તપાસ કરાઇ. આરોપ છે કે મહિલાઓને કલાકો સુધી રોકી રાખવામાં આવી હતી અને કપડાં ઉતારીને તપાસ કરવામાં આવી હતી. કતાર એરપોર્ટ ઓથોરિટીના આ પગલા પર ઓસ્ટ્રેલિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે. મળતી માહિતી મુજબ ફલાઇટ કયુંઆર૯૦૮ શુક્રવારે સવારે ૮.૩૦ વાગ્યે કતારના હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સિડની જવા રવાના થવાની હતી. ત્યારે અધિકારીઓને એરપોર્ટના ટોયલેટમાંથી એક નવજાતની લાશ મળી.

ત્યારબાદ વિમાનમાં સવાર અનેક મહિલાઓને નીચે ઉતારવામાં આવી હતી અને તેમની સઘન મેડિકલ તપાસ કરવામાં આવી હતી. વિમાનમાં કુલ ૩૪ મુસાફરો સવાર હતા જેમાંથી એક મુસાફરે કહૃાું હતું કે જ્યારે મહિલાઓ પાછી આવી તો તેઓ ખૂબ જ અસ્વસ્થ લાગી રહી હતી. એક મહિલા ફલાઇટમાં પહોંચતાની સાથે જ રડવા લાગી. તે અધિકારીઓ પર આરોપ લગાવી રહી હતી કે કપડા ઉતારીને તેમની તપાસ કરવામાં આવી હતી. ત્રણ કલાકથી વધુ સમય સુધી તપાસ ચાલી હતી અને ત્યારબાદ જ વિમાન રવાના કરાયું હતું. અંદાજે ૧૩ મહિલાઓને તપાસ માટે લઈ જવામાં આવી હતી.

લેડી ડોક્ટરે તેમના બધા કપડા ઉતરાવીને એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે કયાંક તાજેતરમાં જ કોઈ બાળકને જન્મ આપ્યો તો નથીને. તો ઑસ્ટ્રેલિયાએ પોતાના મુસાફરોની સાથે કરવામાં આવેલા આ વર્તનની આકરી નિંદા કરી છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓને જે કંઈપણ થયું તે સંપૂર્ણપણે ખોટું હતું અને આ મામલે કતાર એરપોર્ટ ઓથોરિટી સમક્ષ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. બીજીબાજુ કતાર એરવેઝનું કહેવું છે કે આ મામલે કોઈ મુસાફરે કોઈ ફરિયાદ કરી નથી, પરંતુ કેસની તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW