સુરત પાલિકાએ પેટિયું રળતા ૧૫ વર્ષના બાળકને ફટકાર્યું ૪૦૦ રૂપિયાનો દંડ

કોરોનાના કારણે લોકોના ધંધા રોજગારને ભારે અસર પડી છે. પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે બાળકોએ પણ કમાવાની ફરજ પડી છે. ૧૫ વર્ષના બાળકો પણ હાથલારી લઈને બે રૂપિયા કમાવા માટે રસ્તા પર ઉતરી રહૃાાં છે. પાલિકાના અધિકારીઓ તેમને પણ દંડ ફટકારવામાં પાછી પાની ન કરતાં હોવાનું સામે આવ્યું છે. વરાછા કતારગામ વિસ્તારના નામે વાઈરલ થઈ રહેલા વીડિયોમાં પરિવાર માટે પેટિયું રળતા ૧૫ વર્ષના બાળકને ૪૦૦ રૂપિયાના દંડની સ્લિપ પકડાવી દેવામાં આવે છે.

જેથી સામાન્ય લોકોમાં રોષ ફેલાયો છે. આર્થિક રીતે પાયમાલ થયેલા લોકોને સહાનુભૂતિના બે બોલ કહેવાની જગ્યાએ દંડનો હથોડો ઉગામતા પાલિકાના અધિકારીઓ સામે લોકો ફિટકાર વરસાવી રહૃાાં છે.શહેર કોંગ્રેસ પ્રમુખે પણ ઘટનાને વખોડી કાઢતાં કમિશનરને રજૂઆત કરવાની જાણ કરી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં લોકોમાં રોષ ફેલાયો હોવાનું જોવા મળે છે. જાગૃત યુવાન દ્વારા ઉતારવામાં આવી રહેલા વીડિયોમાં સ્થાનિકો કહી રહૃાા છે કે, ગઈકાલે પણ અહી અધિકારીઓ આવ્યા હતા અને ૮૦૦ અને ૪૦૦ રૂપિયાની સ્લિપ આપી ગયા હતાં. આ લોકોને ધંધો કરવો અઘરો થઈ ગયો છે.

શાકભાજી અને ફ્રૂટની લારીઓ ચલાવતા સામાન્ય લોકોને થતાં દંડની કાર્યવાહી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વીડિયો ઉતારનાર જાગૃત યુવકે રડતા બાળકને દંડના ૪૦૦ની જગ્યાએ ૫૦૦ રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો તો બાળકે એ લેવાની ના પાડી દીધી હતી. સાથે જ બાળકે એ રૂપિયા કમાઈ લેવાનો નિર્ણય કર્યો હતો. જેથી વીડિયો ઉતારનાર અને સ્થાનિક લોકોએ પણ તેની ઈમાનદારીને બિરદાવી હતી.