વડોદરામાં શુભ-અશુભ પ્રસંગોમાં મ્યુઝિક સિસ્ટમ વગાડવાની મંજૂરી આપવા કલાકારોની માંગ

કોરોનાની મહામારીમાં કલાકારોની હાલત દયનીય બની ગઇ છે. અનલોક-૫માં શુભ-અશુભ પ્રસંગોને કોવિડ-૧૯ની ગાઇડલાઇનના પાલન કરવાની શરતે છૂટ આપવામાં આવી છે, પરતું, શુભ-અશુભ પ્રસંગોમાં અવિભાજ્ય અંગ ગણાતા કલાકારોને છૂટ આપવામાં ન આવતા કલાકારોએ ગાધીનગર ગૃહ ખાતે ધરણાં-પ્રદર્શન કર્યું હતું અને શુભ-અશુભ પ્રસંગોમાં કલાકારોને છૂટ આપવા સરકાર સમક્ષ માંગણી કરી હતી.

સાઉન્ડ સિસ્ટમના સંચાલક ભાવેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને અંકુશમાં લેવા માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું. દરમિયાન સરકાર દ્વારા તબક્કાવાર લોકડાઉન ખોલવામાં આવી રહૃાું છે.

અનલોક-૫માં મોટા ભાગના નાના-મોટા વ્યવસાને છૂટ આપી દેવામાં આવી છે. લગ્ન-મરણ જેવા શુભ-અશુભ પ્રસંગોમાં ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં છૂટ આપવામાં આવી છે. પરંતુ, શુભ-અશુભ પ્રસંગોમાં મ્યુઝિક સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ છે. સરકારની આ બેવડી નીતિ સામે અમારે ન છૂટકે અમારે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે. જાણીતા સિગર અને આર.એસ.પી.ના અગ્રણી વત્સલા પાટીલે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અન્ય લોકોની જેમ સિંગર અને મ્યુઝિશિયનની હાલત કફોડી બની ગઇ છે.

પ્રશ્ર્ન એ છે કે, જો લગ્ન પ્રસગોમાં ૨૦૦ વ્યક્તિઓને છૂટ આપવામાં આવતી હોય તો પછી કલાકારોને કેમ આપવામાં આવતી નથી. શું કલાકારોને છૂટ આપવામાં આવશે તો કોરોના ફેલાશે તેવો વેધક સવાલ ઉઠાવ્યો હતો. અમારી માંગણી છે કે, સરકાર જો શુભ-અશુભ પ્રસંગોને છૂટ આપતી હોય તો આ પ્રસંગો સાથે સંલગ્ન સિંગર, મ્યુઝિશિયન સહિત અન્ય કલાકારોને પણ છૂટ આપવામાં આવે. કલાકારોને વ્યવસાય કરવાની છૂટ આપવાની માંગ સાથે વડોદરા શહેરના ગાધીનગર ગૃહ ખાતે ૨૦૦થી વધુ કલાકારો એકત્ર થયા હતા અને પોતાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW